11 April 2015

પાઈનું સચોટ મૂલ્ય શોધનારા પ્રાચીન ગણિતશાસ્ત્રી -આર્યભટ્ટ

આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળવિજ્ઞાની હતા. તેમનો જન્મ ઈ.સ. ૪૯૯માં ૨૧મી માર્ચના રોજ કુસુમપુર ગામમાં થયો હતો. તેમના જન્મસ્થળ અંગે ગણિતશાસ્ત્રીઓનો અલગ અલગ અભિપ્રાય છે, પરંતુ તેમની ગાણિતિક કુશળતા બાબતે કોઈ જ શંકા નથી. આર્યભટ્ટે માત્ર ૨૩ વર્ષની નાની ઉંમરે આર્યભટ્ટીય નામે ગણિતનો મસમોટો ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં સંસ્કૃત શ્લોકમાં તેમણે લખ્યું કે, હોડીમાં બેઠેલો માણસ જ્યારે પાણીના પ્રવાહ સાથે ગતિ કરે છે ત્યારે તે એવું સમજે છે કે સ્થિર વૃક્ષો, પાષાણો,પર્વત વગેરે ઊલટી દિશામાં ગતિ કરી રહ્યાં છે. દુનિયામાં આર્યભટ્ટે પહેલી વાર સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે. આર્યભટ્ટના ગ્રંથમાં અંકગણિત, બીજગણિત અને ત્રિકોણમિતિ, ભૂમિતિ, વર્ગમૂળ, ઘનમૂળનો સમાવેશ થતો હોવાથી ગણિતજ્ઞાને ખૂબ જ રસ પડે છે. ઉપરાંત ખગોળશાસ્ત્રની ગણતરીઓ અને અવકાશક્ષેત્રની નોંધોને કારણે હિંદુ પંચાંગ તૈયાર કરવા આ ગ્રંથ ઉપયોગમાં લેવાય છે. આ ખગોળશાસ્ત્રીએ પહેલી વાર સમજાવ્યું કે ગ્રહણ પૃથ્વી અને ચંદ્રના પડછાયાના કારણે થાય છે. આર્યભટ્ટે એમ પણ સ્પષ્ટ કર્યુ કે ચંદ્રનો જે પ્રકાશ છે તે પોતાનો નથી, પરંતુ સૂર્યના પ્રકાશના લીધે ચમકતો જણાય છે. આ સિવાય ગણિતમાં પણ આર્યભટ્ટનું ખૂબ જ મોટું પ્રદાન છે. મોટી સંખ્યાઓને લખવા માટેની પદ્ધતિઓ વિકસાવી હતી. તેમણે સૌ પ્રથમ વખત પાઈની કિંમત નક્કી કરી આપી હતી. આર્યભટ્ટે વિદેશી વૈજ્ઞાનિક આર્િકમિડીઝ કરતાં પણ વધારે સારી રીતે પાઈનું મૂલ્ય આંક્યું હતું. ગણિતનાં જટિલ સમીકરણોના કોયડા પણ આયભટ્ટે ઉકેલ્યા હતા. આમાંનાં ઘણાં સમીકરણો આજે અપ્રાપ્ય છે. આર્યભટ્ટે વિજ્ઞાનનાં સાધનોનો અભાવ છતાં પૃથ્વીનો પરિઘ માપી બતાવ્યો હતો. તેમના મતે પૃથ્વીનો પરિઘ ૩૯,૯૬,૮૦,૫૮૨ કિમી છે. આર્યભટ્ટની યાદમાં ગણિત સંસ્થાઓ તથા જ્યોતિષ મંડળો કાર્યરત છે. ગણિત અને ખગોળશાસ્ત્રમાં તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને ભારતના પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું.

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે